top of page
surendranagarnews (1) (1).png

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન મોરબી રાહત’ લોન્ચ કર્યું

Surendranagar News : મોરબી ઝુલતા પુલ દુર્ઘટના બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન મોરબી રાહત’ લોન્ચ કર્યું

  • ધ્રાંગધ્રા, જામનગર અને કચ્છનાં 300 સૈનિકોની 10 કોલમ્સે રાત-દિવસ રાહત-બચાવ અને શોધખોળ કામગીરી કરી

મોરબી ખાતે ઝુલતો પુલ તૂટી પડ્યા બાદ તંત્ર અને સેવાભાવી નાગરિકો દ્વારા તાત્કાલિક અસરથી રાહત- બચાવની કામગીરી અને શોધખોળ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. સરકારે ખોવાઈ ગયેલા નાગરિકોને શોધવા તાત્કાલિક અસરથી આર્મી, એરફોર્સ, નેવી, એનડીઆરએફ, એસડીઆરએફ અને ફાયર દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

દેશની સેવા માટે પ્રતિબધ્ધ ભારતીય સેનાએ પણ વિપદાની આ પળે ‘ઓપરેશન મોરબી રાહત’ લોન્ચ કર્યું. જે અંતર્ગત કર્નલ દિપક રાજનાં નેતૃત્વ હેઠળ રાહત અને બચાવ કામગીરીમાં નિષ્ણાંત એવા કુલ 300 સૈનિકોની કુલ 10 કોલમ ધ્રાંગધ્રા, જામનગર અને કચ્છના રણમાંથી બચાવ અભિયાન માટે ઉતારવામાં આવી હતી. આ ટુકડીઓમાં આર્મીના કમાન્ડો યુનિટના ઉચ્ચ કુશળતા ધરાવતા ડાઇવરો, એન્જિનિયરો અને મેડિકલ રેસ્ક્યુ ટીમનો સમાવેશ થતો હતો.

સ્પેશ્યલાઈઝડ ઈક્વિપમેન્ટ સાથેની રેસ્ક્યુ બોટ્સ, ડાઈવીંગ ગીયર, શક્તિશાળી સર્ચ લાઈટો અને આપાતકાલીન તબીબી ઉપરકરણો ધરાવતી આ ટીમોએ ઘટના સ્થળે પહોંચીને વીજવેગે પોતાની કામગીરી શરૂ કરી હતી. ઘટનાસ્થળે ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપવાની વ્યવસ્થા ઉભી કરવા સાથે આર્મીની મેડિકલ ટીમે મોરબીની ત્રણ હોસ્પિટલો ખાતે પણ પોતાની કામગીરી ઝડપથી શરૂ કરી દીધી હતી. કર્નલ દિપક રાજનાં નેતૃત્વ હેઠળનાં આર્મીનાં દળોએ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું.


ઈજાગ્રસ્તોને ઝડપથી હોસ્પિટલ પહોંચાડવા, પાણીમાંથી મૃતદેહોને બહાર કાઢવા, ઘટનાસ્થળે ભીડનું નિયંત્રણ કરી ઓપરેશન સુચારૂરૂપે ચાલે તે સુનિશ્ચિત કરવું, ઝડપી રાહત અને બચાવ કામગીરી માટે રૂટ ક્લીઅર રાખવા સહિતની કામગીરીમાં આ સૈનિકોએ સતત બે દિવસ ખડે પગે કામગીરી કરી હતી. ભારતીય સેનાના સતત પ્રયાસોના કારણે સ્થાનિક વહીવટી તંત્રને ખૂબ મદદ મળી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઘટનાસ્થળની મુલાકાત દરમિયાન આ દળોની કામગીરી વિશે વિગતવાર માહિતી મેળવતા તેમની કામગીરીને બિરદાવી હતી.


માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર


bottom of page