top of page
surendranagarnews (1) (1).png

વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને સાયલા ખાતે જિલ્લા કક્ષાનો વન્યપ્રાણી સપ્તાહ

Surendranagar News : વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને સાયલા ખાતે જિલ્લા કક્ષાનો વન્યપ્રાણી સપ્તાહ કાર્યક્રમ યોજાયો

  • કિરીટસિંહ રાણાએ કહ્યું- વન્યજીવોના સંરક્ષણ માટે પ્રયત્નો કરવા આપણી નૈતિક ફરજ છે

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 153મી જન્મજયંતિ નિમિત્તે 2 ઓકટોબર થી 8 ઓકટોબર સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત આજે વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને APMC, સાયલા ખાતે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.

સાયલા ખાતે પણ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ


સામાજિક વનીકરણ વિભાગ, ક્ષેત્રીય વન વિભાગ તથા ઘુડખર અભયારણ્ય, ધ્રાંગધ્રાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમને સંબોધન કરતાં કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, વન વિભાગ દ્વારા હાલ સમગ્ર ભારતમાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી થઈ રહી છે. જેના ભાગ રૂપે સાયલા ખાતે પણ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ઉજવાઇ રહ્યો છે. વન્ય પ્રાણીઓ જીવસૃષ્ટિના અભિન્ન અને અતિ અગત્યના ભાગ છે. હાલ ગાંધીજીની 153મી જન્મજયંતિ નિમિત્તે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી થઈ રહી છે

વન્યપ્રાણીઓના સંરક્ષણ માટે જાગૃત બની સક્રિય પ્રયાસો કરવા અનુરોધ


મંત્રીશ્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, શ્રી કનૈયા લાલ મુનશીની પ્રેરણાથી વર્ષ 1952 થી વન મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. વન્યપ્રાણીઓના સંરક્ષણના કારણે ગુજરાતમાં સિંહોની સંખ્યામાં વધારો થયો છે ને હાલ 600 થી વધુ સિંહો જોવા મળી રહ્યા છે. આ તકે મંત્રીશ્રીએ લોકોને પર્યાવરણ પ્રત્યે આત્મીયતા કેળવવા તેમજ વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે વધુ જાગૃત બની સક્રિય પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો. તેમણે વન્ય જીવોના સંરક્ષણને માનવની નૈતિક ફરજ ગણાવી હતી. આ અવસરે મંત્રીશ્રીએ આ દિશામાં વન વિભાગના કર્મીઓની કામગીરીને પણ બિરદાવી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં નાયબ વન સંરક્ષકશ્રી, ક્ષેત્રીય વન વિભાગ સુરેન્દ્રનગર શ્રી નિકુંજસિંહ પરમારે "વાઈલ્ડ લાઇફ સ્ટોરી" વિષય અંતર્ગત વન્યપ્રાણીઓ જીવનનું અભિન્ન અંગ છે તેમજ વન્ય પ્રાણીઓ દ્વારા જ આહાર શૃંખલા જળવાઈ રહે છે તેમ જણાવતા ઉપસ્થિત સર્વેને વન્યજીવ બચાવવાના અભિયાનમાં સહયોગ માટે વિનંતી કરી હતી.આ ઉપરાંત, માનદ જિલ્લા વાઈલ્ડ લાઇફ વોર્ડન શ્રી યોગેશભાઈ શાહ દ્વારા વન્યપ્રાણીના મહત્વ વિશે જાણકારી તથા વન્યજીવ સંરક્ષણ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


વિશેષમાં નાયબ વન સંરક્ષકશ્રી ઘુડખર અભયારણ્ય ધ્રાંગધ્રા શ્રીધવલકુમાર ગઢવી દ્વારા સ્વાગત પ્રવચન તેમજ મદદનીશ વન સંરક્ષકશ્રી બી. એમ છાસીયા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.



અત્રે ઉલ્લેખનીય છે કે, વન્યપ્રાણી સપ્તાહ અંતર્ગત શાળા, કોલેજો દ્વારા વિવિધ સ્પર્ધાઓ સહિતના કાર્યક્રમ યોજાયા હતા. સાયલા ખાતેના આ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રીશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને વન્ય પ્રાણી પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. વધુમાં, વન વિભાગના કર્મીઓ દ્વારા એક બાઈક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ રેન્જનાં આર.એફ.ઓશ્રીઓ, મદદનીશ વન સંરક્ષકશ્રીઓ, ન્યાય સમિતિના ચેરમેનશ્રી જાદવ, APMCના પ્રમુખશ્રી આલ ભાઈ, અગ્રણીશ્રી સુરીંગભાઈ ધાંધલ, ડાયભાઈ જીડીયા સહિત વન રક્ષકો, વન્ય પ્રાણીઓની રક્ષા કરતી સંસ્થાઓના સભ્યો, ખેડૂત મિત્રો તથા પ્રકૃતિપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.



bottom of page