top of page
surendranagarnews (1) (1).png

પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ: સુરેન્દ્રનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતાને પ્રાકૃતિક કૃષિ

Surendranagar News : પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ: સુરેન્દ્રનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો


સુરેન્દ્રનગર ખાતે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનાં વેચાણ કેન્દ્રને ખુલ્લુ મૂકતા રાજ્યપાલશ્રી

  • પ્રાકૃતિક ખેતી જ દુનિયાનું કલ્યાણ કરશે

  • ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ દ્વારા કૃષિ ક્રાન્તિનું પ્રેરણાતીર્થ બનશે

  • ફેમિલી ર્ડાકટર નહીં, ફેમિલી ફાર્મરનાં વિચારને સાકાર કરીએ

ગુજરાતના રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સુરેન્દ્રનગર ખાતે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, રાસાયણિક કૃષિનાં દુષ્પરિણામોથી મુક્તિ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવી એ આજનાં સમયની માંગ છે. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાત ગાંધીજી, સરદાર પટેલ અને દયાનંદ સરસ્વતી જેવા નાયકોની ભૂમિ રહી છે અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે પણ ક્રાન્તિનું પ્રેરણાતીર્થ બનશે.


તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર દેશના કિસાનોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા અને દેશની માટીને રાસાયણિક ખેતીથી ઝેરીલી થતી બચાવવા અભિયાનની શરૂઆત કરી છે, જે અંતર્ગત આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે પ્રત્યેક પંચાયતમાંથી 75 ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડાવા અનુરોધ કર્યો છે. દેશની આઝાદીને 75 વર્ષ થયા છે ત્યારે આપણે કૃષિને રાસાયણિક ખાતર અને જંતુનાશકોની ગુલામીમાંથી બચાવવાની છે. જે માટે પ્રાકૃતિક કૃષિ જ એકમાત્ર વિકલ્પ છે.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિગની સમસ્યાથી ત્રસ્ત છે અને આ સમસ્યા પાછળ રાસાયણિક કૃષિનો 24 ટકા ફાળો છે. તેમણે જણાવ્યું હતું કે, આઝાદી બાદ દેશની ખાદ્યાન્નની જરૂરીયાતને પૂરી કરવા હરિત ક્રાંતિના માધ્યમથી રાસાયણિક કૃષિ અપનાવીએ તે સમયની માંગ હતી. પરંતુ રાસાયણિક કૃષિના કારણે જળ-જમીન અને પર્યાવરણ દૂષિત થયા છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના અંધાધૂંધ ઉપયોગથી જમીનમાં ઓર્ગેનિક કાર્બન, અળસિયા અને મિત્ર જીવોની સંખ્યા તેમજ જમીનની ફળદ્રુપતા સતત ઘટી રહી છે. જમીન બંજર બની રહી છે. રાસાયણિક કૃષિમાં કૃષિ ખર્ચ સતત વધી રહ્યો છે અને ઉત્પાદન સતત ઘટી રહ્યુ છે. જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે.

રાજયપાલશ્રીએ કહ્યું કે રાસાયણિક કૃષિના કારણે ઉત્પાદિત દૂષિત ખાદ્યાન્ન આરોગવાથી લોકોના સ્વાસ્થ્ય માટે મોટુ જોખમ ઉભુ થયું છે. જો રાસાયણિક પધ્ધતિથી ખેતી ચાલુ રહી તો ભવિષ્યમાં જમીન સાવ બિન ઉપજાઉ બની જશે તેમ જણાવતા રાજયપાલશ્રીએ રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી મુકિત મેળવવા પ્રાકૃતિક કૃષિને મજબૂત વિકલ્પ ગણાવતા જણાવ્યું હતું કે પૂરી વિધિથી પ્રાકૃતિક કૃષિ પ્રામાણિક્તાથી કરવામાં આવે તો આ કૃષિ પધ્ધતિ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. દેશના ખેડૂતો આત્મનિર્ભર બનશે તો દેશ આત્મનિર્ભર બનશે. ખેડૂતો અને ખેતીને આત્મનિર્ભર બનાવવાનો શ્રેષ્ઠ માર્ગ પ્રાકૃતિક કૃષિ છે તેમ રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું. પ્રાકૃતિક ખેતી કરવાથી 1-2 વર્ષમાં જ ધરતીનો ઓર્ગેનિક કાર્બન બમણો થઈ જાય છે.

રાજયપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિના મુળ ભાવને સમજાવતા જણાવ્યું હતું કે જંગલમાં વૃક્ષ, વનસ્પતિને કોઇ રાસાયણિક ખાતર કે જંતુનાશકો આપવામાં આવતા નથી તેમ ખેતરમાં પણ પ્રાકૃતિક રીતે ખેતી કરવામાં આવે તો આ રીતે કરાયેલી ખેતી આપણા તેમજ પ્રકૃતિનાં સ્વાસ્થ્ય માટે ઉપકારક નીવડે છે.


ગુરૂકુળ કુરુક્ષેત્રમાં પોતાની 200 એકર ભૂમિમાં કરેલા પ્રાકૃતિક કૃષિના સ્વાનુભવને વર્ણવી ઉપસ્થિત ખેડૂતો સાથે સીઘો સંવાદ કરતા તેમણે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિથી જળ-જમીન-પર્યાવરણની રક્ષા થાય છે. દેશી ગાયનું જતન- સંવર્ઘન થાય છે. પ્રાકૃતિક કૃષિમાં કૃષિ ખર્ચ નહીવત હોવાથી અને ઉત્પાદન ઘટતું નહી હોવાથી ખેડૂતોને આર્થિક ફાયદો થાય છે. પ્રાકૃતિક કૃષિમાં સૂક્ષ્મજીવો અને અળસિયાં જેવા મિત્ર જીવોની વૃદ્ધિને કારણે જમીનનો આર્ગેનિક કાર્બન વઘે છે અને જમીન ફળદ્રપ બને છે.

રાજયપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિ પધ્ધતિના સિધ્ધાંતો, જીવામૃત-ઘન જીવામૃત રૂપે કલ્ચર, મલ્ચીંગ પધ્ધતિ, અળસિયાઓનાં મહત્વ અને પ્રાકૃતિક ખેતીમાં તેમની ભૂમિકા-ફાયદા વિશે વિગતવાર સમજણ ખેડૂત મિત્રોને આપી હતી. તેમણે ફેમિલી ર્ડાકટરની જેમ ફેમિલી ફાર્મરના વિચારને સાકાર કરવા પ્રગતિશીલ ખેડૂતોને અનુરોઘ કર્યો હતો.


આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે આપણે વધારે પાક લેવાની લ્હાયમાં જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરોના બેફામ ઉપયોગથી જમીન, હવા અને પાણીની ગુણવત્તા બગાડી છે. વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાન બનવાની સાથે જ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવા ભારતનું નિર્માણ કરવાનાં સ્વપ્ન સાથે કામ કર્યું છે જેના પરિણામે આજે આપણે કાશ્મીરથી કન્યાકુમારી અને અરૂણાચલ પ્રદેશથી ગુજરાત સુધી દરેક ક્ષેત્રમાં વિકાસનાં નવા સોપાનો સર કરી રહ્યા છીએ. પ્રાકૃતિક કૃષિ અભિયાન વિશે વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે કૃષિ ક્ષેત્રનો વિકાસ થવાની સાથે તે વિકાસ ટકાઉ અને લાંબા ગાળાનો હોય તે દિશામાં સરકારે નક્કર આયોજન અને પ્રયાસો કર્યા છે. તેમણે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મ નિર્ભર ભારતના સ્વપ્નને સાકર કરવા મહત્તમ ખેડૂતો પ્રાકૃત્તિક ખેતી કરી આત્મનિર્ભર બને તે આવશ્યક છે તેમ જણાવ્યું હતું.


કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલશ્રી સહિતના મહાનુભાવોનાં વરદહસ્તે પ્રાકૃત્તિક કૃષિ-સાફલ્ય ગાથા પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટરશ્રી કે.સી. સંપટ દ્વારા સ્વાગત પ્રવચન અને SPNF જિલ્લા સંયોજકશ્રી અચ્યુત એચ.પટેલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. કાર્યક્રમ બાદ રાજ્યપાલશ્રી સહિતનાં મહાનુભાવોએ રામ ભોજનાલય, સુરેન્દ્રનગર ખાતે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનાં એક વેચાણ કેન્દ્રને પણ ખુલ્લુ મૂક્યું હતું.


આ અવસરે વઢવાણ ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલ, આત્મા સ્ટેટ નોડલ ઓફિસરશ્રી પી.એસ.રબારી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એન.મકવાણા, જિલ્લા પોલીસ વડાશ્રી હરેશ દુધાત, નિવાસી અધિક કલેકટરશ્રી દર્શનાબેન ભગલાણી, SPNF રાજ્ય સંયોજકશ્રી પ્રફુલભાઈ સેંજલીયા અગ્રણી સર્વશ્રી જગદીશભાઈ મકવાણા, જયેશભાઈ, હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતાં.


માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર:


પ્રશાંત/શક્તિ મુંધવા


bottom of page