top of page
surendranagarnews (1) (1).png

ડાયરાની 'શાન' બની ગયેલો કમો કોણ છે? કીર્તીદાન ગઢવીની એક નજર પડીને બદલાઇ ગઇ તેની જિંદગી

Updated: Sep 21, 2022

ડાયરાની 'શાન' બની ગયેલો કમો કોણ છે? કીર્તીદાન ગઢવીની એક નજર પડીને બદલાઇ ગઇ તેની જિંદગી

  • માનસિક દિવ્યાંગ કમો આજે ડાયરાની રોનક બની ગયો છે.

  • કમા પર લોકગાયક કીર્તીદાન ગઢવીની નજર પડી અને તેની જિંદગી બદલાઇ ગઇ.

  • બાળપણથી જ કમો ખૂબ ધાર્મિક અને સેવાભાવી

કહેવાય છે ને ઈશ્વરે દરેક વ્યક્તિને ધરતી પર કોઈને કોઈ ઉદ્દેશ સાથે મોકલ્યા હોય છે. અલગ-અલગ રંગ-રૂપ, કદ અને શક્તિઓ સાથે માણસનો જન્મ થાય છે. કોઈ અભ્યાસમાં પાવરધું હોય છે તો કોઈ કળામાં એક્કો તો વળી કોઇની શારીરિક ક્ષમતા તેને રમતગમતના ક્ષેત્રે આગળ લઈ જાય છે. કેટલાક લોકો જન્મજાત ખોડખાંપણ સાથે જન્મે છે પરંતુ આવા દિવ્યાંગોને પણ ઈશ્વરે કઇંક ખાસિયત તો આપી જ હોય છે. આમાંનો જ એક કમો ઉર્ફે કમલેશભાઈ દલવાડી આજે ખૂબ લોકચાહના મેળવી રહ્યો છે. માનસિક દિવ્યાંગ કમો આજે

ડાયરાની રોનક બની ગયો છે. સોશિયલ મીડિયા પર લોકપ્રિય થયેલા કમા પર જાણીતા લોકગાયક કીર્તીદાન ગઢવીની નજર પડી અને તેની જિંદગી બદલાઇ ગઇ.


વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકપ્રિયતા વધી


વાત એમ છે કે, સુરેન્દ્રનગરના કોઠારીયા ગામમાં થોડા દિવસ પહેલા વજા ભગતના આશ્રમમાં ગૌશાળાના લાભાર્થે ભાગવત કથાનું આયોજન થયું હતું. દરમિયાન એક દિવસ રાત્રે કીર્તીદાન ગઢવીનો ડાયરો પણ હતો. જેમાં તેમણે કથાકાર જીગ્નેશદાદાનું પ્રખ્યાત ભજન 'ઘરે જાવું ગમતું નથી' ગાયું હતું. આ સાંભળીને ડાયરામાં હજાર કમો ઉર્ફે કમલેશભાઈ મોજામાં આવી ગયા હતા અને આસપાસની દુનિયાને ભૂલીને પોતાની જ મસ્તીમાં નાચવા લાગ્યા હતા. દરમિયાન કીર્તીદાન ગઢવીનું તેની તરફ ધ્યાન ગયું હતું. તેમણે તેને બોલાવીને નામ

પૂછ્યું હતું. બાદમાં તે દિવ્યાંગ હોવાની જાણ કીર્તીદાનને થઈ હતી. કમાથી ખુશ થઈને કીર્તીદાનએ તેને 2 હજાર રૂપિયા આપ્યા હતા. કમાનો કીર્તીદાન સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તેની લોકપ્રિયતા વધવા લાગી હતી.

કોણ છે કમો ઉર્ફે કમલેશભાઈ?


સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર, કમો મૂળ કોઠારીયા ગામનો રહેવાસી છે. તેના પિતાનું નામ નરોત્તમભાઈ છે. તેમના ત્રણ દીકરા છે અને કમો તેમાં સૌથી નાનો છે. કમો જન્મજાત દિવ્યાંગ હોવા છતાં તેના માતા-પિતાએ તેનો ઉછેર સામાન્ય બાળકની જેમ જ કર્યો છે. બાળપણથી જ કમો ખૂબ ધાર્મિક અને સેવાભાવી છે. નાનો હતો ત્યારથી જ વજા ભગતના આશ્રમમાં આવતા શ્રધ્ધાળુઓને ચા-પાણી પીવડાવતો હતો. કમાને રામાપીરના આખ્યાનો તેમજ ભજનનો શોખ હોવાથી ગામમાં આવો કોઈપણ કાર્યક્રમ હોય ત્યાં તે

ચોક્કસથી હાજરી પૂરાવતો.

મુખ્યમંત્રી સાથે કમાએ કરી મુલાકાત


કમો આખ્યાનમાં પણ પત્રો ભજવે છે ત્યારે હાલ તેની લોકપ્રિયતાને જોતાં ગુજરાતમાં જ્યાં જ્યાં પણ ડાયરો યોજાય ત્યાં તેને આમંત્રિત કરવામાં આવે છે. કીર્તીદાન ઉપરાંત કોઈપણ ગુજરાતી લોક કલાકાર પોતાના કાર્યક્રમમાં કમાને બોલાવે છે. કમાના મોટાભાઇ તેને કાર્યક્રમમાં લઈ જાય છે. ડાયરા ઉપરાંત કમાને ઉદ્ધાટનમાં પણ બોલાવાય છે. દરેક પ્રસંગે કમો હોંશેહોંશે જાય છે. થોડા દિવસ પહેલા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કમો કીર્તીદાન ગઢવી સાથે હાજર રહ્યો હતો. કમાના સોશિયલ

મીડિયા પેજ પર મુખ્યમંત્રી સાથેનો તેનો વિડીયો પણ શેર કરવામાં આવ્યો છે. જેમાં તે લોકોનું અભિવાદન કરી રહ્યો છે.

સાદું જીવન જીવે છે કમો


ખાસ વાત તો એ છે કે, સેલિબ્રિટિ જેવો ઠાઠ મળ્યા પછી પણ કમો અને તેનો પરિવાર સાદું જીવન જીવે છે. કાર્યક્રમના આયોજકો કમાને પુરસ્કાર રૂપે જે રકમ આપે તેમાંથી મોટાભાગની રકમ કોઠારીયા ગૌશાળા કે અન્ય જગ્યાએ દાન કરી ડે છે. કમાના કહેવા અનુસાર તેના મનપસંદ ડાયરા કલાકાર કીર્તીદાન ગઢવી છે. કહેવાય છે ને કે, કઇંક છીનવી લે તો અન્ય માર્ગે પાછું પણ આપી દે છે. કમાનો કિસ્સો પણ કઇંક આવો જ છે.



bottom of page